saddlebrown-wolverine-498669.hostingersite.com-જામનગર:
વ્યાજના વિષચક્રમાં ફસાયેલ એક યુવકે આપઘાત કરી લેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે. આ અંગેની જાહેર થયેલ વિગતો મુજબ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં નવી નિશાળ સામે, આંબાવાળું ફળિયામાં વસવાટ કરતા આશિષભાઇ કિશોરભાઇ ચાંદ્રા (ઉ.વ.37) નામના યુવાને તેમના માતાના નામે મકાન મોર્ગેજ કરી કેપ્રી ગ્લોબલ ફાઇનાન્સમાંથી રૂપિયા 25,94,903ની લોન લીધી હતી.
લીધેલ લોનના હપ્તા ભરવામાં આશિષભાઈથી પહોંચાણ થતું ન હોવાથી આશિષે જામનગરના નિલેશ રઘુ ગંઢા, શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુન્ના વલ્લભ વશિયર પાસેથી વ્યાજે રકમ લઇ લોનના હપ્તા ભરી રહ્યા હતા. દરમ્યાન ત્રણેય ઈસમો દ્વારા અવારનવાર આશિષ પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપતાં હતાં. વ્યાજખોરોના ત્રાસથી આશિષભાઈ કંટાળી ગયેલા હતા.
જેથી તેણે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ અમરીશ દ્વારા જાણ કરાતા પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકે લખેલી સ્યુસાઇટ નોટ કબ્જે લઇ ત્રણ વ્યાજખોર નિલેશ રઘુ ગંઢા, શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુન્ના વલ્લભ વશિયર વિરૂદ્ધ નાણાં ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(symbolic image)























































